Wednesday, December 22, 2010

હવે ખબર પડે છે કે મારુ અસ્તિત્વ મારુ નથી,
સમાઇ ગયા છો એક એક વાત મા,
ક્યાય કૈ થાય ને યાદ આવો છો કે,જ્યારે હ્રદય ધબકે છે ને તમે યાદ અવો છો,
બે ધબકાર ની વચ્ચે ને દિલ ધડ્કે ત્યારે,
બસ યાદો જ તમારી હોય છે ત્યારે,
રાત્રે સ્વપ્ન મ આવો છો તમે,
ને દિન ભર એની અસર મા રહો છો તમે,
ખબર્ નહિ આમજ જીવન ની રજે રજ મા સમાઇ ગયા છો તમે .
- ડૉ. ભુમિકા ત્રિવેદી

Tuesday, December 21, 2010

પરિચય છે મંદિરમાં દેવોને મારો

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.
-શૂન્ય” પાલનપુરી

ખૂબ અંદરબહાર જીવ્યો છું

ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું
-’ઘાયલ’

Saturday, November 20, 2010

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા.
મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા.
આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા.
કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

                            - આદિલ મન્સુરી

Friday, November 19, 2010

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.
વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.
જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો
એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.
ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો
છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.
‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

                                      - આદિલ મન્સૂરી

Thursday, November 18, 2010

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.
ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.
વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

                                            -આદિલ મન્સુરી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

                                   -આદિલ મનસુરી